Main | My profile | Registration | Log out | Login | RSSSaturday, 20/04/2024, 1.29.17 PM

Health, Wealth & Life Insurance

DINESH PATEL

Certificate
Free Trust Seal
FREE.. નિ:શુલ્ક...
Site menu
Presentations
ગુજરાતી
Miscellaneous
Our poll
Is insurance useful?
Total of answers: 76
Login form
User Counter

ચાણક્ય કહી ગયો કે શત્રુ મદદ કરવા આવે તો સ્વીકારવી નહીં

ચાણક્ય કહી ગયો કે શત્રુ મદદ કરવા આવે તો સ્વીકારવી નહીં

બે હજાર વર્ષ પહેલાં ચાણક્યે આ સૂત્રો રચ્યાં હતાં: સિંહ ભૂખ્યો થાય તો પણ ઘાસ ખાતો નથી કે લોઢું જ લોઢાને કાપે કે શત્રુનો શત્રુ મિત્ર.

દુનિયા બહુ ક્રૂર છે અને જેવા સાથે તેવા થયા વિના છૂટકો નથી એવું લાગવા માંડે ત્યારે ફરીફરીને એક જ વ્યક્તિની સલાહ લેવાની હોય. ચાણક્યની. ચાણક્યનાં કેટલાંય સૂત્રો લોકજીભે છે. એનો રોજબરોજ ઉપયોગ કરનારને ખબર પણ નહીં હોય કે આશરે બે હજાર વર્ષ પહેલાં ચાણક્યે આ સૂત્રો રચ્યાં હતાં. સિંહ ભૂખ્યો થાય તો પણ ઘાસ ખાતો નથી કે લોઢું જ લોઢાને કાપે કે શત્રુનો શત્રુ મિત્ર કે સ્તુતિ દેવોને પણ વહાલી કે મૂર્ખ મિત્ર કરતાં શાણો શત્રુ વધારે સારો જેવાં ઑલ ટાઈમ ગ્રેટ સુવાક્યો પરનો કોપીરાઈટ ચાલુ હોત તો આજે ચાણક્ય કે એના વારસદારો ભારતના સૌથી ધનિક માણસો હોત.

પત્નીએ પતિને વશ રહેવું કે સ્ત્રીનો ક્યારેય વિશ્વાસ ન કરવો જેવાં અનેક ચાણક્યસૂત્રો આજના વખત માટે અપ્રસ્તુત છે. આ કે આવાં કેટલાંક સૂત્રોની અવગણના કરીએ તો બીજો ઘણો મોટો ખજાનો ચાણક્ય પાસેથી પ્રાપ્ત થાય. ચાણક્ય આજની તારીખે જીવતો હોત તો મલ્ટિનેશનલ કંપનીના મેનેજમેન્ટ કન્સલ્ટન્ટથી માંડીને પ્રાઈમ મિનિસ્ટરના પોલિટિકલ એડ્વાઈઝર સુધીના જૉબ એના માટે ખુલ્લા હોત અને સાઈડમાં ચિંતક-વિચારક તરીકેનાં એના પ્રવચનો ગોઠવવા માટે લાયન્સ-રોટરીવાળાઓ એની કુટિરની બહાર લાઈન લગાવતા હોત. ચાણક્યે કૌટિલ્ય નામે અર્થશાસ્ત્ર લખ્યું, જેનો અંગ્રેજી અનુવાદ પેંગ્વિન જેવી આંતરરાષ્ટ્રિય પ્રકાશન સંસ્થાએ પ્રગટ કર્યો. ચાણક્યને કેટલાક લોકો અનૈતિક અને સ્વાર્થી વાતોના પ્રચારક તરીકે ઓળખે છે. એનાં સૂત્રને જોવાનો એ પણ દ્રષ્ટિકોણ છે, પણ દુનિયામાં જ્યારે તમે જેવા સાથે તેવા થવા માગતા હો ત્યારે ચાણક્ય તમને અનએથિકલ કે ઈમ્મોરલને બદલે પ્રેક્ટિકલ વધુ લાગશે. પોતાનું  (કે પોતાના રાષ્ટ્રનું)  હિત સાચવવાની સલાહને સ્વાર્થી બનવાની સલાહ કોઈ ગણતું હોય તો ભલે ગણે. ચાણક્યના બે હજાર વર્ષ બાદ થઈ ગયેલી એયન રેન્ડ નામની અમેરિકન વિદુષીએ ‘ધ વર્ચ્યુ ઓફ સેલ્કિશનેશ’ નામનો ગ્રંથ નથી લખ્યો?

ખૂબ બધાં કામ ચઢી ગયાં હોય ત્યારે પ્રાયોરિટી કયા કામને આપવી એની ઘણી વખત સૂઝ પડતી નથી. ચાણક્ય સહેલો ઉકેલ આપે છે: જે કામમાંથી સૌથી વધુ ફાયદો થવાનો હોય તે સૌથી પહેલાં કરવું. તદ્દન સીધી વાત છે અને ક્યારેક લાગે કે આ બધાં નકામાં કામ છે, કશાંમાંથી ફાયદો થાય તેમ નથી તો શું કરવું? એ માટે ચાણક્યને પૂછવા જવાની જરૂર નથી. પોતાનો ફાયદો જેમાં ન થતો હોય એવાં નકામાં કામ કરવાની કશી જરૂર નથી એવું કોઈ પણ ગુજરાતી તમને કહેશે.

કેટલીક વાર તમને નવાઈ લાગે એટલી હૂંફાળી વર્તણૂક તમારા શત્રુઓ કે અપરિચિતો દેખાડે છે. એમની આ મતલબી ઘનિષ્ઠતા વિશે ચાણક્ય વારંવાર લાલબત્તી ધરે છે. અનેક સૂત્રો દ્વારા આ વાત એ આપણા મગજમાં ખોસવા માગે છે કે શરાબીના હાથે દૂધનો પ્યાલો પીવો નહીં. દુષ્ટો ચાલાક હોય છે, તમને મદદ કરવા માટે લંબાયેલો એમનો હાથ ક્યારે તમારી ગળચી પકડી લેશે એ કહેવાય નહીં. કોઈ વ્યક્તિ તમારું વધું પડતું સન્માન કરવા લાગે કે લળીલળીને વાત કરવા લાગે તો તમારે સાવધ થઈ જવું, આવી દેખાડુ નમ્રતા પાછળ નક્કી એનો સ્વાર્થ હોવો જોઈએ.

કોઈ પણ કાર્ય કરતી અગાઉ ક્યારેક પણ જેની સાથે દુશ્મનાવટ થઈ ચૂકી હોય એવી વ્યક્તિની મદદ ના લેવાય એવું ચાણક્યે ગાઈબજાવીને કહ્યું છે. સામેથી ટેકો આપવા કે મદદ કરવા આવે તો પણ નો, થેન્ક્યુ કહીને એને પાછી કાઢવાની, કારણ કે તે તમને ટેકો એટલા માટે આપવા માગતી હોય છે કે કાલ ઊઠીને તમે એના સહારે હો ત્યારે ટેકો ખસેડીને પાડી નાખવાની તક મળે અને જૂના હિસાબોની વસૂલી થઈ જાય.

ચાણક્યની બીજી એક વાત ખાસ યાદ રાખવાની કે કોઈ પણ માણસ તમારી પાસે કશું માગવા આવે ત્યારે એની ઉપેક્ષા કરવી નહીં. એ વખાનો માર્યો હશે તો જ તમારી પાસે હાથ લંબાવતો હશે. નસીબે એને ઝાપટો મારી હોય ત્યારે એને સહાય કરાઅને બદલે એનું અપમાન કરીને એની હેરાનગતિમાં ઉમેરો કરવાની ભૂલ ક્યારેય કરવી નહીં. અહીં ચાણક્યના આ સૂત્ર સાથે અન્ય સૂત્રો મૂકવા પણ જરૂરી છે. કાયદામાં જેમ ફલાણી કલમને ફલાણી પેટા- કલમનાસંદર્ભમાં વાંચવાની હોય એવું કંઈક અહીં પણ છે. મદદ માગનારને તરછોડવો નહીં એવી સલાહ સાથે ચાણક્ય એવું પણ કહી જાય છે કે નીચ કે દુષ્ટ માણસ પર ક્યારેય ઉપકાર કરવો નહીં. સાપને દૂધ પિવડાવવાથી એનામાં રહેલા ઝેરની જ વૃદ્ધિ થાય છે. (જોકે, સાપ દૂધ પીતો જ નથી એવું સ્વ. વિજયગુપ્ત મૌર્ય પચાસ વાર કહી ગયા છતાં આપણામાંથી એ અંધશ્રદ્ધા ગઈ નથી.)  દુષ્ટ પર ઉપકાર કરવાનો  વિરોધ કરતાં ચાણક્ય કહે છે કે કેટલાક માણસોને આપણે કરેલા તમામ ઉપકાર ઓછા લાગે છે અને એ આપણા ઉપકારને પોતાનું અપમાન સમજી બેસે છે. માટે એવા લોકોને મદદ કરવાથી દૂર જ રહેવું. માટે યાચકની અપેક્ષા સંતોષતા પહેલાં કોઠાસૂઝથી તથા પૂર્વાનુભવથી જાણી-પારખી લેવું કે તમારું દાન, તમારી મદદ સુપાત્રે જાય છે કે કુપાત્રે.

ચાણક્ય કહે છે કે શત્રુની સાથે ગમે તેવી દુશ્મનાવટ હોય તોય એની આજીવિકા નષ્ટ ના કરવી. કોઈ પણ વ્યક્તિને ભીંતસરસી ધકેલી દેવાથી, એની પાસેથી તમામ દિશાઓ છીનવી લેવાથી, એ જીવ પર આવીને તમારા પર હુમલો કરશે. બમ્બૈયા હિંદીમાં એને મરતા ક્યા નહીં કરતા ફીનોમિનન કહે. તમે શત્રુની રોજીરોટી છીનવી લેશો તો એ આજે નહીં પણ દસ વર્ષે એનો બદલો લેશે જ. એવા ઘણા દાખલા આપણી આસપાસ પડ્યા છે. તો હવે ધ્યાન રાખવું.

બીજું, એરંડા જેવાં તકલાદી વૃક્ષોનો સહારો લઈને હાથીને ક્રોધિત ના કરવો. મહાશક્તિશાળી સામે બાંયો ચડાવવી હોય તો પહેલાં તપાસી લેવું કે એવો જ શક્તિશાળી ટેકો તમને છે કે કેમ? હાથીને ગુસ્સે કર્યા પછી છુપાઈ જવાનું આવે ત્યારે એરંડા કરતાં વટવૃક્ષની આડશ વધુ ઉપયોગી નીવડતી હોય છે. સાચી વાત? બિલકુલ સાચી વાત.

કોઈ કંઈક પૂછે તો ફટ દઈને એનો જવાબ ના આપી દેવાય. પ્રશ્ન પાછળનો હેતુ શો છે તે વિશે વિચારવું. પ્રશ્નકર્તાની દાનત તપાસવા તમારે પ્રતિપ્રશ્ન કરવો.. શઠ લાગતા લોકોની આદત હોય છે કે નિર્દોષ લાગતા સવાલો પૂછીને પોતાની ધારી વિગતો કઢાવી લેવી. માટે જ ચતુર લોકો સીધો જવાબ આપવાને બદલે મોઘમ ઉત્તર આપીને વણબંધાયેલા રહે છે. આ સલાહ ચાણક્યે રાજનીતિના સંદર્ભમાં આપી છે. રોજિંદા વ્યવહારમાં પણ ઘણા એનો અમલ કરે છે.

ધન વિશે ચાણક્યે કહ્યું છે કે માણસ પોતે અમર છે એમ માનીને એણે ધનનો સંગ્રહ કરવો જોઈએ. અર્થાત્ ‘આજે નહીં તો કાલે, મરવાનું તો નિશ્ચિત છે. ક્યાં આ બધી લક્ષ્મી છાતીએ બાંધી લઈ જવાની છે’ એવા વિચારો કરીને માણસે ઉદ્યમ કરવામાં આળસ કરવી નહીં. પૂરતા ધન વિના, જો વૃદ્ધાવસ્થા લંબાય તો, જીવન આકરું બની જાય છે.

કમાણી કરવા માટે કેટલાક લોકો ‘પાપી પેટને ખાતર કરવું પડે છે’ એવું બહાનું આગળ ધરીને કોઈ પણ હીન કામો કરવા તૈયાર થઈ જાય છે, પણ ચાણક્ય કહે છે કે માણસ ભૂખ્યા પેટે પણ જીવી લેતો હોય છે. બે ટંકના ભોજન માટે અનૈતિક કામ કરવાં અનિવાર્ય નથી હોતાં. ભૂખ ક્યારેય વ્યક્તિની ખુમારી તૂટવા દેતી નથી. પાંગળું મનોબળ જ માણસની નિષ્ઠાને ડગમગાવી મૂકે છે.

ચાણક્ય માને છે કે ચતુર માણસને કયારેય રોજી-રોટીનો ભય નથી સતાવતો. પોતાની વ્યવહારકુશળતાથી એ ગમે તેવા કપરા સંજોગોમાં પણ આજીવિકા મેળવી લે છે. ધન વિષેની એક કડવી સચ્ચાઈ ચાણક્ય પાસેથી જાણી લઈએ. એ કહે છે કે પૈસા વિનાના માણસની સાચી શિખામણ કોઈ ધ્યાને ધરતું નથી. બીજી એક વાત ચાણક્ય કહે છે કે જરૂરી દ્રવ્યની જોગવાઈ કર્યા વિના કોઈ પણ કાર્યનો આરંભ કરવો એ રેતીમાંથી તેલ કાઢવાનો પ્રયત્ન કરવા બરાબર છે. કામ તો શરૂ કરો, પૈસાની જોગવાઈ આપોઆપ થઈ રહેશે એવું માનનારાઓ ભવિષ્યમાં ઊંધે માથે પછડાય છે. જે કામ માટે જેટલા ધનની આવશ્યકતા હોય તે અંગે કાર્યારંભે જ નિશ્ચિત ગોઠવણ થઈ ગઈ હોવી જોઈએ.

ચાણક્યનીતિના ગ્રંથમાં જે સૂત્ર સોનાના અક્ષરે લખાવું જોઈએ તે હવે આવે છે. સબંધો સ્વાર્થને આધિન છે. બે રાજ્ય વચ્ચેના કે બે વ્યક્તિઓ વચ્ચેના, સબંધો પરસ્પર સ્વાર્થ ન હોય તો બંધાતા જ નથી. પ્રયોજન વિનાનો, હેતુ વિનાનો, સબંધ હોઈ શકે જ નહીં.

ઘણા લોકોને પોતાની નબળાઈઓ જાહેરમાં કે અન્ય વ્યક્તિઓ સમક્ષ પ્રગટ કરી દેવાની બહુ હોંશ હોય છે. ભાઈ, મારાં નસીબ એવાં ફૂટેલા નીકળ્યાં કે ધંધામાં ચાળીસ લાખની ખોટ ગઈ- કોઈએ પૂછ્યું નહીં હોય તો સામેથી કહેશે. કે પછી, આ બધું મારી આળસનો પ્રતાપ છે- એવું કોઈક કહેશે. કહેનારને લાગે છે કે આમ કહીને પોતે બહુ મોટી નિખાલસતા દેખાડી રહ્યા છે, પોતે કેટલા પારદર્શક છે એવું સ્થાપી રહ્યા છે, પણ દરેક સાંભળનારાઓનાં મન તમે કળી શકવાના નથી. ચાણક્ય કહે છે કે પોતાનાં છિદ્રોની જાણ ક્યારેય કોઈને ના કરવી. કારણ? શત્રુ હંમેશાં તમારી નબળાઈ વિશે જાણકારી મેળવીને એના પર જ પ્રહાર કરે છે. આ સાથે ચાણક્ય સલાહ આપે છે કે શત્રુનાં છિદ્રોની તમને જાણકારી હોવી જોઈએ અને લાગ મળ્યે એનાં છિદ્રો પર પ્રહાર કરવો જોઈએ અને જ્યાં સુધી શત્રુનાં છિદ્રોનો તાગ ના મળે ત્યાં સુધી એને મિત્રતાના ભ્રમમાં રાખવો જોઈએ.

ચાણક્યની એક સલાહ કવિ હરીન્દ્ર  દવેએ માની હોત તો ક્યારેય આ શેર લખવાની નોબત એમના માટે ન આવી હોત

મારી જો શીખ લ્યો તો મુલાયમ થશો નહીં,
રહીને સુંવાળા સૌને દુભવ્યાનો થાક છે.

ચાણક્યે કહ્યું છે કે મૃદુ સ્વભાવવાળા લોકોનું એમના આશ્રિતો પણ અપમાન કરતા હોય છે. માત્ર રાજકાજના ક્ષેત્રમાં જ નહીં, બધે જ આ સૂત્ર લાગુ પડે. સુરેશ દલાલ કહેતા હોય છે એમ: ડંખીએ ના, પણ ફૂંફાડો  રાખવાનો.! આ જ સંદર્ભમાં બીજું એક ચાણક્યસૂત્ર છે કે અગંભીર વિદ્વાનને લોકો સન્માન નથી આપતા. આનો અર્થ એવો નથી કે માણસે વિદ્વતાનો ડોળ કરવા ઘુવડગંભીર ચહેરે ફરવું. અર્થ એ કે વિદ્વાનોએ ઉછાંછળું વર્તન ના કરવું. સામાન્ય પરિચિતોને કે દૂરના મિત્રોને તમારી સાથે બોલવા/વર્તવામાં અઘટિત છૂટ લેવા દેવી નહીં, એવું કરે તો એમને ટકોર પણ કરવી.

આખી દુનિયાનું ડહાપણ પોતાનાં સૂત્રોમાં ઠાલવી દેનારો ચાણક્ય તમને ક્યારેક લાગણીશૂન્ય લાગે, પણ ના, એવું નથી. એક જગ્યાએ એક નાનકડી, પણ ખૂબ મોટી વાત કહી દે છે: પુત્ર અથવા તો સંતાનોના સ્પર્શથી ચડિયાતું બીજું કોઈ સુખ નથી.

Select Language
Subscribed Link
AD
Want to Earn Money?
Join RupeeMail!
Get paid to open your mails.
Its Free!

Calculator
Calendar
«  April 2024  »
SuMoTuWeThFrSa
 123456
78910111213
14151617181920
21222324252627
282930
Worldwide Visiters
free counters
Search

For best view use Internet Explorer 7.0 or above, Google Chrome or Mozilla Firefox.
© All rights reserved. No part of this website may be copied, adapted, abridged or translated, stored in any retrieval system, computer system, photographic or other system or transmitted in any form or by any means without the prior written permission of the copyright holders, Health, Wealth & Life Insurance. Any breach will entail legal action and prosecution without further notice.
Copyright: Health, Wealth & Life Insurance © 2024
This Website is developed by Margesh Patel.
Website builderuCoz