સંસારમાં રહીને સુખી થવા માટેની કળા ચાણક્ય શિખવે છે
ઘણા માણસો માને છે કે પૈસાથી સુખ મળે છે. બીજા કેટલાક લોકો માને છે કે સમાજમાં પ્રસિદ્ધિથી અને સત્તાથી સુખ મળે છે. ઘણા લોકોને જમીનજાગીરમાં અને જરજવેરાતમાં સુખ દેખાય છે, પણ જેમની પાસે આ બધું છે, તેઓ પણ ખરેખર સુખી નથી. તો પછી સાચા સુખની પ્રાપ્તિ કોને કહેવાય ? આ સવાલનો જવાબ આપણને 'ચાણકયનીતિ' માંથી મળે છે.
હકીકતમાં સુખની પાછળ દોટ મૂકતાં આજના માનવને સંસારમાં કઇ ચીજોથી સાચું સુખ મળે છે, તેની જ ખબર નથી. સુખી બનવા માટેની ચીજો પૈસાથી ખરીદી શકાતી નથી.
ચાણકય કહે છે કે, 'જે વ્યકિતના ઘરમાં આનંદમંગળનું વાતાવરણ પ્રવર્તતું હોય, સંતાનો બુદ્ધિશાળી હોય, પત્ની પ્રિયભાષિની હોય, પોતે ઉદ્યમી હોય, નીતિથી કમાયેલું ધન હોય, ઉત્તમ મિત્રો હોય, જેને પોતાની પત્ની પ્રત્યે આદર હોય, જેના નોકર-ચાકર આજ્ઞાંકિત હોય, જેના કુટુંબમાં અતિથિને આદર અપાય છે, ઇશ્વરની ઉપાસના થાય છે, ઘરમાં દરરોજ સ્વાદિષ્ટ ભોજન બને છે, પીવા માટે મીઠાં પાણીની વ્યવસ્થા છે અને જે ગૃહસ્થને હંમેશા સજ્જન વ્યકિતની સંગતિ કરવાની તક મળે છે, તે ધન્ય બની જાય છે.'
શું ફોર્બ્સની યાદીમાં જે અબજોપતિઓને સ્થાન આપવામાં આવ્યું છે તેઓ આ બધી બાબતમાં સુખી છે ખરા ?
સુખી થવા માટે ચાણકયે જે ચીજોની આવશ્યકતા બતાવી છે, તેમાં ધનથી ખરીદી શકાય તેવી ભાગ્યે જ કોઈ ચીજો છે.
મનુષ્ય પૈસાદાર બની જાય એટલે તેના સંતાનો બુદ્ધિશાળી પેદા થાય, એવું જરૃરી નથી. બુદ્ધિશાળી અને આજ્ઞાંકિત સંતાનો પૂર્વ ભવના કોઈ પુણ્યથી જ પ્રાપ્ત થાય છે.
પ્રિયભાષિની પત્ની પણ આજના કાળમાં બહુદુર્લભ ગણાય છે. શ્રીમંતોની પત્ની કર્કશા ન હોય તેવી કોઈ ગેરન્ટી નથી.
માણસ પાસે અમર્યાદિત ધન હોય પણ તે અનીતિથી કમાયેલું હોય તો તે ધન માણસને સુખ આપી શકતું નથી. અનીતિને કારણે તે મનુષ્ય ઘણા સાથે દુશ્મનાવટ વહોરી લે છે અને શાંતિથી જીવી શકતો નથી. સંસારના સુખોની પ્રાપ્તિ માટે મર્યાદિત ધનની જરૃર પડે છે તેની ના નથી, પણ આ ધન જો નીતિથી કમાયેલું હોય તો જ કામ લાગે છે. અનીતિની કમાણી કદી સુખ આપી શકતી નથી.
પત્ની પ્રિયભાષિની હોય, એટલું પૂરતું નથી. પતિને પોતાની પત્ની પ્રત્યે પ્રેમ અને આદર હોવા પણ બહુ જરૃરી છે. પતિને જો પત્ની પ્રત્યે તિરસ્કારભાવ હોય તો ઘરની લક્ષ્મી સંતુષ્ટ નથી રહેતી પણ સતત કચવાટમાં રહે છે. સ્ત્રીને પ્રસન્ન રહેવા માટે માત્ર ધન, દોલત, વસ્ત્રો અને આભૂષણો ઉપરાંત સન્માન અને સત્કારની પણ જરૃર રહે છે. શ્રીમંતો ઘણી વખત પોતાની પત્ની સાથે પગલૂછણિયાં જેવું વર્તન કરતાં હોય છે. બીજાની હાજરીમાં તેઓ પત્નીનું અપમાન કરતા હોય છે અને તેને ઉતારી પાડતા હોય છે. જે ઘરની લક્ષ્મીની આંતરડી કકળતી હોય, તે ઘરમાં કદી આનંદમંગળનું વાતાવરણ પ્રવર્તી શકતું નથી.
પૈસાથી નોકર-ચાકર ખરીદી શકાય છે, પણ તેમનો આદર ખરીદી શકાતો નથી. નોકર-ચાકરનો આદર મેળવવા માટે તેમની સાથે દયાળુ અને માયાળુ વર્તન કરવું જરૃરી બની જાય છે. જે શેઠને આજ્ઞાંકિત નોકર-ચાકર મળ્યા હોય તેઓ જ સુખી બની શકે છે. નોકર-ચાકરની વફાદારી કેવળ પગારથી નહીં પણ ચારિત્ર્યથી અને સારા વર્તનથી જ ખરીદી શકાય છે.
જે પરિવાર સંસ્કારી હોય તેમાં જ નિયમિત અતિથિઓની અવરજવર ચાલુ રહે છે. અતિથિ વગરના મહેલની કોઇ કિંમત નથી, પણ અતિથિની અવરજવર ધરાવતાં ઝૂંપડાંમાં પણ આનંદનું વાતાવરણ જોવા મળે છે. અતિથિ પૈસાના નહીં પણ ભાવનાના ભૂખ્યા હોય છે.
આજકાલ શ્રીમંતો પાસે ધન બહુ હોય છે, પણ પત્નીને રસાઈ કરવાની આળસ હોય છે અને નોકર-ચાકરો મળતા નથી, જેને કારણે હોટેલનું ખાવાનું ખાવું પડે છે. જે મનુષ્ય બે ટંક ઘરની રસોઇ પણ જમી ન શકે, તેને સુખી ગણી શકાય નહીં.
સજ્જન વ્યકિતની સોબત કરવા માટે આપણે પણ સજ્જનતા કેળવવી પડે છે. સજ્જનોની સોબત પણ ધનથી ખરીદી શકાતી નથી. જે શાણા પુરુષો પોતાના ભાઇભાંડુઓ સાથે સજ્જનતાથી વર્તે છે, બીજાઓ પ્રત્યે દયા રાખે છે પણ દુર્જનો પ્રત્યે જેવા સાથે તેવાનો વ્યવહાર રાખે છે, વિદ્વાન સાથે સરળતાથી અને પાપી સાથે કડકાઇથી વર્તે છે, શક્તિશાળી વ્યક્તિ સાથે ખુમારીથી વર્તે છે, ગુરુ, માતાપિતા અને આચાર્ય પ્રત્યે સહનશીલ થઇ વર્તે છે અને સ્ત્રીઓ ઉપર આંધળો વિશ્વાસ નથી મૂકતા તેઓ સંસારમાં સફળ થાય છે.
અહીં ચાણકય આપણને જેવા સાથે તેવા થવાની બહુ પ્રેકિટકલ શિખામણ આપે છે. સંતમાં અને ગૃહસ્થમાં ફરક છે. સંતોને બધા જ પ્રત્યે કરૃણા હોવી જોઈએ, પણ જેને પોતાના પરિવારનું રક્ષણ કરવાનું છે અને આર્થિક વ્યવહારો નિભાવવાના છે તે બધા પ્રત્યે કરૃણા રાખીને પોતાની જવાબદારી નિભાવી શકે નહીં. આ કારણે જ ચાણકયે દુર્જન પ્રત્યે દુર્જુન જેવો વ્યવહાર કરવાની સલાહ આપી છે. દુર્જનો સાથે માયાળુ વર્તન કરવામાં આવે તો તેઓ તેને આપણની નબળાઈ ગણીને આપણને વધુ હેરાન કરવાની કોશિષ કરે છે. આ કારણે 'શઠં પ્રતિ શાઠયં'ની નીતિ અપનાવવી જ પડે છે અને હૃદયમાં કરૃણા રાખીને પણ પાપીઓ સાથે કડક વ્યવહાર રાખવો પડે છે. તાજેતરમાં આંતકવાદીઓએ મુંબઇ ઉપર સશસ્ત્ર હુમલો કર્યો અને સેંકડો નિર્દોષ માનવીઓની કતલ કરી તેમની સાથે સૌજન્ય દાખવી શકાય નહીં. કોઇ ધર્મગુરુ તેમને માફ કરી દેવાની ભલામણ કરે તો પણ જેમની ઉપર પ્રજાના જાનમાલની રક્ષા કરવાની જવાબદારી છે, તેઓ આતંકવાદીઓની દયા ખાઈ શકે જ નહીં. તેઓ જો દયા ખાય તો પોતાના આશ્રિતોનું રક્ષણ કરી શકે નહીં.
સજ્જન અને સુખી માણસોના લક્ષણો વર્ણવ્યા પછી હવે ચાણકય દુર્જન અને દુઃખી માણસોનાં લક્ષણોનું પણ વર્ણન કરે છે, જેને વાંચીને આપણે અત્યારે કઇ કક્ષામાં છીએ તેનો ખ્યાલ આવે છે.
જેના હાથે કદી દાનકર્મ થતું નથી, જેના કાને કદી વિદ્વાનોનાં વચન પડતાં નથી, જેણે પોતાના નેત્રોથી સજ્જન પુરુષના દર્શન નથી કર્યા, પગપાળા તીર્થોની યાત્રા નથી કરી, અન્યાયથી ધન એકઠું કરીને પણ જો સમાજમાં ઘમંડથી જીવે છે તેને ચાણકય શિયાળ જેવા નીચ ગણાવે છે. આવી વ્યકિતઓને ચાણકય કહે છે, "તમારે આ સંસારમાં જીવતા જ રહેવું જોઈએ નહીં પણ શક્ય એટલો જલદી આ નીચ શરીરનો ત્યાગ કરી દેવો જોઈએ."
આજે આપણા સમાજમાં શ્રીમંતો ઘણા છે, પણ પોતાની લક્ષ્મીનો સદુપયોગ પરોપકારનાં કાર્યોમાં કરતા હોય તેવા પુણ્યશાળીઓ બહુ ઓછા છે. લક્ષ્મી મેળવવા માટે નસીબની જરૃર પડ છે, પણ પુણ્યથી પ્રાપ્ત થયેલી લક્ષ્મીનો સદુપયોગ કરવાની ઇચ્છા જબરદસ્ત પુણ્ય હોય તેને જ થાય છે. બાકીના શ્રીમંતો પોતાની લક્ષ્મીનો ઉપયોગ દાનપુણ્યમાં નથી કરતાં તેમને આ લક્ષ્મી કદ સુખ આપી શકતી નથી.
માણસ પાસે ધન આવી જાય એટલે તેનામાં વિદ્વતા આવી જાય અને તે જ્ઞાની બની જાય એવું જરૃરી નથી. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જ્ઞાનીનાં વચનો સાંભળવા જોઈએ અને તેને વિનયપૂર્વક હૃદયમાં ઉતારવાની કોશિષ પણ કરવી જોઈએ. જેને એવું અભિમાન છે કે મારી પાસે દુનિયાનું બધું જ્ઞાન છે તે કદી જ્ઞાનીનાં વચનામૃતો સાંભળવા જતો નથી પણ કૂવામાંના દેડકાની જેમ પોતાની સંકુચિત દુનિયામાં જ મસ્ત રહે છે. જે વ્યકિત અહંકારી છે તેને સજ્જનો સાથે પણ ફાવતું નથી. સજ્જનો આવી અભિમાની વ્યકિતનો પડછાયો પણ લેવાનું પસંદ કરતાં નથી.
જેને ઇશ્વરમાં શ્રદ્ધા નથી હોતી તે કષ્ટો ઉઠાવીને તીર્થયાત્રા કરતા નથી પણ તીર્થસ્થાનોમાં પણ મોજ કરવા જાય છે. તેમને યાત્રાનું ફળ નથી મળતું પણ પાપની વૃદ્ધિ થાય છે. આવા મનુષ્યો ધનવાન હોય તો પણ દયાને પાત્ર છે.
ચાણકયે સજ્જન પુરુષોના અને સત્સંગના ભારે ગુણગાન કર્યા છે. ચાણકય કહે છે કે, 'સજ્જન પુરુષોના દર્શનમાત્રથી પુણય પ્રાપ્ત થાય છે, કારણ કે સંત પુરુષ સાક્ષાત્ તીર્થસ્વરૃપ છે. તીર્થયાત્રા કરનારને યોગ્ય સમય આવે ત્યારે ફળ મળે છે, જ્યારે સંતના સમાગમથી તાત્કાલિક ફળની પ્રાપ્તિ થાય છે. સજ્જન વ્યકિતની સંગતમાં રહીને દુર્જન પણ સજ્જન બની શકે છે, પણ સજ્જન વ્યકિતમાં દુર્જનના ગુણો ક્યારેય આવતા નથી. માટે સુખી થવા ઇચ્છનારે સજ્જનોનો સંગ કરવો જોઈએ.'
ચાણકયનાં આ બધાં જ વાક્યોનો સાર એક જ વાક્યમાં આપી શકાય કે, 'સુખી બનવા માટે સજ્જન બનવું અનિવાર્ય છે, દુર્જનો કદી સુખી બની શકતા નથી.' આ સારને પામ્યા પછી આપણે બધાએ દુનિયામાં સજ્જનોની શોધ આદરી દેવી જોઈએ અને તેમની જ સંગત કરવી જોઈએ.