કન્ઝ્યુમર પ્રોડકટ્સ ખરીદવા માટે ઝીરો પર્સન્ટ વ્યાજની તમામ સ્કિમો બજારમાં ચાલે છે. આ પ્રકારની સ્કિમ્સ વિશે એમ કહેવાય છે કે વસ્તુની ખરીદી ઉપર તમારે કોઇ જ પ્રકારનું વ્યાજ ચૂકવવાનું નથી પરંતુ આ વાત સાચી નથી
બાળપણમાં જયારે મારો દૂધિયો દાંત તૂટી ગયા ત્યારે મારા માતા-પિતાએ મને એક સૂચન કર્યું કે રાતે સૂતી વખતે તેને ઓશિકાંની નીચે મૂકી દેવો. મેં એવું જ કર્યું પણ બીજા દિવસે સવારે જયારે હું ઉઠયો ત્યારે ખબર પડી કે દાંત ગાયબ હતો અને તેની જગ્યાએ એક રૂપિયાનો સિક્કો પડ્યો હતો !
મેં જયારે મારા માતા-પિતાને આના વિશે પૂછ્યું તો તેણે જણાવ્યું કે એક ‘દંત પરી’ આવી હતી એણે તારા દાંતને રૂપિયામાં બદલી નાખ્યો. આ વાતથી એ વખતે હું ખૂબ જ પ્રભાવિત થયો હતો. જોકે ધીમે:ધીમે મને ખ્યાલ આવ્યો કે આ વાર્તા સાચી નથી.
સ્કિમ્સની હાલત કંઇક આવી!
બજારમાં ચાલી રહેલી ઝીરો પર્સન્ટ વ્યાજની સ્કિમ્સ પણ આ જ પ્રકારની વાર્તા જેવી છે. આમ પણ કહેવાય છે ને કે આ દુનિયામાં કોઇ જ વસ્તુ મફતમાં નથી મળતી. થોડાં વર્ષો પહેલાં આ પ્રકારની સ્કિમ્સનું ચલણ ખૂબ જ વધારે માત્રામાં હતું. જોકે હવે રિઝર્વ બેન્કે આના ઉપર થોડી બ્રેક લગાવી છે. તેમ છતાં પણ બિન બેન્કિંગ સંસ્થાઓ (એનબીએફસી) આ પ્રકારની સ્કિમ્સ ચલાવી રહી છે. આ પ્રકારની યોજનામાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર એ હોય છે કે તેમાં સામાનની ખરીદી ઉપર કોઇ પણ પ્રકારનું વ્યાજ લેવામાં નથી આવતું. ગ્રાહકને પણ એવી પ્રતિતિ થાય છે કે એને કશુંક મફતમાં મળી રહ્યું છે.
યોજના કઇ રીતે કામ કરે છે?
ઝીરો પર્સન્ટ ઇન્ટરેસ્ટ સ્કિમ્સમાં અન્ય કિંમતો જોડી દેવામાં આવે છે. કન્ઝ્યુમર ડયુરેબલ્સમાં મોટા ભાગની કંપનીઓ રિટેલ કેશ ડિસ્કાઉન્ટ આપે છે. પણ આ પ્રકારની યોજનામાં આ લાભ નથી મળતો. આ ઉપરાંત તમારે પ્રોસેસિંગ ફી અને કેટલાક હપતા એડવાન્સમાં ચૂકવી દેવા પડે છે. જેને જરા આ પ્રકારે સમજવું પડશે.
આ પ્રકારની સ્કિમ્સને સમજો
ધારો કે કોઇ કંપની તમને એલસીડી કલર ટીવી શૂન્ય ટકાના વ્યાજદરે આપી રહી છે અને આ ટીવીની કમિંત રૂ. ૪૮,૦૦૦ છે. કંપની તમને કુલ રકમ ૬ મહિનામાં ચૂકવી દેવા માટે જણાવે છે. એટલે તમારો હપતો મહિને રૂ. ૮,૦૦૦ નો બને. આની સાથે તમારે રૂ. ૧,૦૦૦ પ્રોસેસિંગ ફી પેટે આપવા પડશે.
પરંતુ જો તમારે રોકડેથી આ જ ટીવી લેવું હોય તો તે રૂ. ૨,૦૦૦ના રોકડ વળતર સાથે મળી શકે તેમ છે. એટલે રોકડેથી ખરીદી કરનારને આ ટીવી તેની કમિંત કરતાં રૂ. ૩,૦૦૦ જેટલું સસ્તું પડશે. હવે કુલ કમિંત સાથે જો તેનું વ્યાજ કાઢવામાં આવે તો હપતેથી ટીવી ખરીદનારે વાર્ષિક ૨૩ ટકા લેખે વ્યાજ આપવું પડે છે.
આ યોજનાઓ લોકપ્રિય કેમ?
આટલું ઊચું વ્યાજ લેવામાં આવતું હોવા છતાં પણ ઝીરો પર્સન્ટ ઇન્ટરેસ્ટ સ્કિમ્સ ખૂબ જ લોકપ્રિય છે. ખાસ કરીને તહેવારોની મોસમમાં તો તેનાં બજારમાં ખૂબ જ ગરમી આવી જાય છે.
આની પાછળનું મુખ્ય કારણ એ છે કે ગ્રાહક એક સાથે મોટી રકમનો ખર્ચ કરવામાંથી બચી જાય છે. આ ઉપરાંત કંપનીઓ પણ આ પ્રકારની યોજનાનું જબરદસ્ત માર્કેટિંગ કરે છે. એટલે ગ્રાહક એક મોહપાશમાં બંધાઇને ખેંચાઇ આવે છે. આ યોજનાઓ સફળ થવાનું અન્ય એક કારણ એ પણ છે કે તેમાં લોન લેવાની વિધિઓ ખૂબ ઓછી છે.
તો ગ્રાહકોએ શું કરવું?
શૂન્ય વ્યાજદરની યોજનામાં જોડાઇને છેતરાઇ રહ્યો છે તો તેની પાસે કેટલાક વિકલ્પો પણ છે. કેટલીક બેન્કોએ એ પ્રકારના ક્રેડિટ કાર્ડ આપવાની શરૂઆત કરી છે કે જેમાં તમે વસ્તુની ખરીદી કર્યા બાદ તેની રકમ હપતેથી ક્રેડિટ કાર્ડ કંપનીને ચૂકવી શકો છો. આના પર ક્રેડિટ કાર્ડ કંપનીઓ કોઇ જ પ્રકારની ફી નથી લેતી. એટલે જો તમે ઝીરો પર્સન્ટ ઇન્ટરેસ્ટની સ્કિમ મારફતે કોઇ વસ્તુ ખરીદવા માગતા હો તો આ બાબતનું ચોક્કસપણે ઘ્યાન રાખજો. - લેખક ‘અપના પૈસા’ના સીઇઓ છે.