ભારતીય પરંપરા અનુસાર દર વર્ષની શુભ શરૂઆત વખતે આપણે સારા સંકલ્પ કરીએ છીએ. તે મુજબ ચાલો આપણે પણ નવા વર્ષે પાંચ સંકલ્પ કરીએ.
પહેલો સંકલ્પ કરીએ કે માત્ર ટીપ્સ, અફવા કે સલાહોના આધારે જાતે અભ્યાસ કરીને શેરબજારમાં મૂડીરોકાણ કરવાની કૂનેહ કેળવીએ.
બીજો સંકલ્પ એ કરીએ કે શેરબજારમાં ઉધારકે વ્યાજના રૂપિયા નહિ લડાવીએ અને એમાંય કુલ મૂડીના ૩૦ ટકાથી વધુ મૂડી એકલા શેરબજારમાં ક્યારેય નહિ જ લડાવીએ.: ત્રીજો સંકલ્પ એ કરીએ ફન્ડામેન્ટલ્સ અને ફેન્સી સિવાયની જાતોમાં કે અજાણી કંપનીઓના શેર્સમાં આડેધડ મૂડી નહિ લડાવીએ.
ચોથો સંકલ્પ એ કરીએ વધુ લાભનો લોભ જતો કરીને ટૂંકા ગાળામાં ૨૦-૩૦ ટકા અને મઘ્યમ ગાળામાં ૪૦-૬૦ ટકા નફો મળતો હશે તો બુક કરી લેવાની તક ઝડપી લઇશું.
પાંચમો સંકલ્પ એ કરીએ શેર સાથે માત્ર ફ્લર્ટિંગ કરીશ લગ્ન નહિ!
નાની પનોતી જેવી અઢી વર્ષની વૈશ્વિક મંદી ભારતીય અર્થતંત્રને ડગાવી શકી નથી. ભારતીય શેરબજારોમાં ૧૦૩ ટકા, સોનામાં ૩૩ ટકા અને ચાંદીમાં ૬૦ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. શેરબજાર અને સોનાના ભાવો વચ્ચે જે તેજીનો સૂર, તાલ અને લય જોવા મળ્યો છે તે મુજબ વિતેલા વર્ષે સેન્સેક્સ પણ ૧૬૦૦૦ પોઇન્ટ અને સોનું પણ રૂ. ૧૬૦૦૦ની સપાટી ક્રોસ કરી ગયું છે.
હવે ચાટિર્સ્ટો, બજાર પંડિતો અને વિશ્લેષકો એવો સૂર વ્યકત કરી રહ્યા છે કે આગામી ડિસેમ્બર-૦૯ના અંત સુધીમાં સેન્સેક્સ કદાચ ૨૦,૦૦૦ પોઇન્ટ અને સોનું પણ રૂ. ૨૦,૦૦૦ આસપાસ રમતું થઇ જશે.
એટલુંજ નહિ રૂપિયો પણ અમેરિકન ડોલર સામે એક વર્ષમાં રૂ. ૭.૭૦ વઘ્યો છે અને આગામી માર્ચ અંત સુધીમાં એવી ધારણા સેવાય છે કે રૂ. ૪૦-૪૩ વચ્ચે રમતો હશે. તે જોતાં ભારતીય કોર્પોરેટ ક્ષેત્ર અને તેની પાછળ પાછળ વિવિધ બજારોની તેજી પણ સોળે કળાએ ખિલી ઉઠે તેવો આશાવાદ છે!
એવું કહેવાય છે કે મનુષ્ય યત્ન ઇશ્વરકપા. માત્ર આશિર્વાદ કે શુભેચ્છાથી કોઇ સફળતા મળતી નથી વ્યક્તિએ જાતે પણ મહેનત કરવી પડે. તે પછી નોકરી ધંધો હોય કે વિવિધ સ્રોતોમાં મૂડીરોકાણની બાબત હોય. ખાસ કરીને શેરબજારમાં મૂડીરોકાણ કરતા તમામ રોકાણકારો માટે આ બાબત સુપેરે લાગુ પડે છે.
રોકાણકાર મિત્રો! નવા વર્ષની ઇન્વેસ્ટમેન્ટ એડવાઇસ વગરની શુભેચ્છા અધૂરી ગણાય. તેથી વિક્રમ સંવત ૨૦૬૬ માટે અભ્યાસ, આવડત, ફેન્સી અને ફન્ડામેન્ટલ્સના આધારે નીચે દર્શાવેલા ‘નવ રત્ન’ ઉપર નજર રાખવા જેવી છે.
વૈશ્વિક મંદીના માહોલ વચ્ચે પણ સંખ્યાબંધ કંપનીઓના વેચાણો, ચોખ્ખા નફામાં સતત વૃદ્ધિનો ટ્રેન્ડ જળવાઇ રહ્યો છે. તેને ઘ્યાને લેતાં કહી શકાય કે મઘ્યમથી લાંબા ગાળાના મૂડીરોકાણ દરમિયાન ૩૦-૪૦ ટકા વળતર છૂટવાની શક્યતા રહેલી છે.