સચિવકક્ષાની બેઠકમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે ચાલતી ચર્ચા : આશ્રમરોડ તથા રિવરફ્રન્ટમાં પ્રોજેક્ટ શરૂ કરવો અઘરો : મોટાપાયે ખોદકામની શંકા
અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલ શરૂ કરવા કવાયત ચાલી રહી છે. છેલ્લા ત્રણ મહિનામાં શ્રેણીબદ્ધ બેઠકો સરકારના સચિવકક્ષાના અધિકારીઓ સાથે દિલ્હી મેટ્રોરેલ પ્રોજેક્ટના વડા શ્રીધરન કરી રહ્યા છે અને છેલ્લી બેઠકમાં મેટ્રો રેલ અંગે ત્રણ વિકલ્પ ઉપર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી, જેમાં સરખેજથી ગાંધીનગર વાયા કાલુપુર રેલવે સ્ટેશનના રેલવેટ્રેક ઉપર મેટ્રો રેલ શરૂ થઈ શકે છે તે અંગેની શક્યતા તપાસાઈ રહી છે. ટૂંક સમયમાં આ પ્રોજેક્ટ અંગે નિર્ણય લેવાય તેવી શકયતા વ્યક્ત કરાઈ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સને ૨૦૦૫થી અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલ સેવા શરૂ કરવાની વિચારણા રાજ્ય સરકાર દ્વારા ચાલી રહી છે. સને ૨૦૦૭માં મેટ્રોરેલ સેવા શરૂ થઈ નહીં શકે તેવો નિર્ણય લેવાયો હતો, પરંતુ છેલ્લા એક વર્ષથી આ અંગે પુન: કવાયત હાથ ધરાઈ છે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર મેટ્રો રેલ પ્રોજેક્ટ હાથ ધરવા તમામ પ્રકારના સર્વે પૂર્ણ કરી દેવાયા છે, જેમાં અમદાવાદમાં ત્રણ જગ્યાએથી મેટ્રો રેલ શરૂ કરી શકાય તેમ છે. મેટ્રો રેલ પ્રોજેક્ટ આગામી સને ૨૦૩૫ની વસતીને ઘ્યાનમાં રાખીને સર્વે કરાયો છે સને ૨૦૩૫માં ટ્રાફિકની શું સ્થિતિ રહેશે તેનો પણ અભ્યાસ કરવામાં આવ્યો છે.
અભ્યાસ મુજબ વાસણાથી ગાંધીનગર વચ્ચે સને ૨૦૧૦માં પિકઅવર્સમાં દર કલાકે ૧૩ હજાર વાહનો રોડ ઉપર હશે, જ્યારે સને ૨૦૩૫માં તેની સંખ્યા વધીને ૩૭ હજાર થઈ જશે ત્યારે આશ્રમ રોડ ઉપર સૌથી વધુ હેવી ટ્રાફિક જોવા મળશે. આ સ્થિતિને નિવારવા માટે મેટ્રો રેલ શરૂ કરવી જરૂરી છે.
રાજ્ય સરકારે નોર્થ-સાઉથ કોરિડોર અને ઇસ્ટ-વેસ્ટ કોરિડોરમાં મેટ્રો રેલ શરૂ કરવા માગે છે, જેમાં ચાંગોદર, સરખેજ, મકતમપુરા, વાસણા, આરટીઓ, સાબરમતી, મોટેરા, કોબા સર્કલ, અક્ષરધામ-ગાંધીનગર તથા કાલુપુર દરવાજા, પ્રેમ દરવાજા, આઇટીઓ, માનવમંદિર, ડ્રાઇવઇન, થલતેજ તથા વાસણા, માનવમંદિર, નારણપુરા, આરટીઓ અને સરખેજ, ઇસ્કોન ટેમ્પલ, થલતેજ, ખોડિયાર તથા ઇન્દ્રોડા સર્કલ વિસ્તારનો સમાવેશ કરવા માગ છે.
રાજ્ય સરકારે પ્રોજેક્ટ માટે સચિવકક્ષાની એક કમિટીના રચના કરી છે. તાજેતરમાં દિલ્હી મેટ્રો રેલ પ્રોજેક્ટના વડા શ્રીધરને કમિટીની બેઠક બોલાવી ચર્ચા-વિચારણા કરી હતી. આ બેઠકમાં મેટ્રો રેલ માટે ત્રણ વિકલ્પ માર્ગ ઉપર ચર્ચા કરાઈ હતી. જેમાં વાસણાથી ગાંધીનગર રૂટ રિવરફ્રન્ટમાં શરૂ કરી શકાય કે કેમ તે અંગે ચર્ચા કરાઈ હતી, પરંતુ તેમાં આ પ્રોજેક્ટ હાથ ધરવાથી નદી ઉપર આવેલા તમામ બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર કરવો પડે તેવી સ્થિતિ ઊભી થાય તેમ છે.
બીજો વિકલ્પ આશ્રમરોડ ઉપરનો હતો. અહીંયા પ્રોજેક્ટ શરૂ કરવાથી બે વર્ષ સુધી આ રોડ બંધ કરી દેવો પડે તેમ છે, કારણ કે મોટા પાયે ખોદકામની શકયતા રહેલી છે અને ત્રીજો વિકલ્પ ગાંધીગ્રામ રેલવે સ્ટેશન પાસેથી પસાર થતી મીટરગેજ રેલવેલાઇન જે સરખેજથી સાબરમતી વાયા કાલુપુર અને ગાંધીનગર થઈ શકે છે તેમજ કાલુપુરથી નરોડા અને વટવા સુધી લાઇન પથરાયેલી છે. આ રેલવેલાઇન ઉપર ઓછા ખર્ચે મેટ્રો રેલ શરૂ થઈ શકે તેવો અભિપ્રાય કમિટીના તમામ સભ્યોએ આપ્યો હતો.
મીટરગેજ ઉપર હાલ ટ્રેનની સંખ્યા નહિવત છે અને ભૂતકાળમાં આ ટ્રેક બંધ કરવાની પણ રેલવે સત્તાવાળાઓએ વિચારણા હાથ ધરી હતી. જો રેલવે મંત્રાલય મેટ્રો રેલ પ્રોજેક્ટ મીટરગેજ સરખેજથી ગાંધીગ્રામ, કાલુપુર રેલવે સ્ટેશનથી ગાંધીનગર ઉપર પ્રોજેક્ટ સાકાર થઈ શકે તેમ છે.
શ્રીધરને પણ રેલવે લાઇન ઉપર પ્રોજેક્ટ શરૂ થઈ શકે તે અંગે વધુ સર્વે કરવા સૂચન કયાô હોવાનું જાણવા મળે છે, કમિટીના સભ્યોની રજૂઆત ઉપરથી સ્પષ્ટ થાય છે કે ઓછા ખર્ચે મેટ્રો રેલ પ્રોજેક્ટ અમદાવાદમાં શરૂ થઈ શકે તેમ છે આ અંગે રેલવે મંત્રાલયના મંજૂરી જરૂરી છે, કારણ કે ઔડાએ પાંચ વર્ષ પૂર્વે આ ટ્રેક ઉપર સબર્બન ટ્રેન શરૂ કરવા રેલવે મંત્રાલયને ભલામણ કરી હતી, પરંતુ મંત્રાલયે આ ભલામણ ફગાવી દીધી હતી.
૫૨૦૦ કરોડનો પ્રોજેક્ટ
મેટ્રો રેલ પ્રોજેક્ટ પાછળ ખર્ચ અંદાજે રૂ. ૫૨૦૦ કરોડ થાય તેવી શકયતા વ્યકત કરાઈ છે. આ અંદાજિત ખર્ચ સને ૨૦૦૪માં નક્કી કરાયો હતો. પાંચ વર્ષ પછી આ ખર્ચમાં પણ વધારો થશે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. અંદાજે ૪૦થી ૬૦ કિ.મી.નો ટ્રેક શરૂ થાય તેવી સંભાવના પ્રોજેક્ટમાં દર્શાવાઈ છે.
ગાંધીગ્રામ રેલવેલાઇન ઉપર મેટ્રો રેલ શક્ય
ઓછા ખર્ચે તથા શહેરીજનોને ઓછી તકલીફ થાય તેવો એક જ માર્ગ છે અને તે છે ગાંધીગ્રામ રેલવેલાઇન. અહીંયા મેટ્રો રેલ શરૂ કરી શકાય તેમ છે અને એ અંગેનો અભિપ્રાય નિષ્ણાતોની ટીમે આપ્યો છે. છેક સરખેજથી ગાંધીગ્રામ રેલવે સ્ટેશન થઈ સાબરમતીથી ગાંધીનગર અને સાબરમતીથી કાલુપુર રેલવેસ્ટેશન સુધી લાઈન નખાયેલી છે.
સાબરમતી રિવરફ્રન્ટમાં મેટ્રો શક્ય નથી?
રિવરફ્રન્ટની બંને સાઇડમાં મેટ્રો રેલ સેવા શરૂ કરાય તો નદી પરના તમામ બ્રિજની ડિઝાઇન બદલવી પડે તેમ છે, તેમજ રિવરફ્રન્ટની જમીન વેચીને જે પ્રોજેક્ટનો ખર્ચ કાઢવાનો હોય તે કાઢી શકાય તેમ નથી. આ ઉપરાંત નદી પર આરસીસી સ્ટ્રક્ચર બાંધવાથી મેટ્રો રેલ પ્રોજેક્ટનો ખર્ચ વધી જાય તેમ છે. તેમજ નદી પર આવેલાં બ્રિજની ડિઝાઈન બદલવાથી લાંબા સમય સુધી બ્રિજ ઉપરનો વાહનવ્યવહાર અટકાવી દેવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય અને જો ભૂર્ગભ મેટ્રો ટ્રેન શરૂ કરાય તો તેનો ખર્ચ વધી જાય તેવી સંભાવના છે.
આશ્રમરોડ પર મેટ્રો માટે મોટાપાયે ખોદકામ થશે
મેટ્રો રેલ પ્રોજેક્ટ વાસણાથી આશ્રમરોડ ઉપર શરૂ કરાય તો આ માર્ગ ઉપર મોટા પાયે ખોદકામ થવાથી તમામ ટ્રાફિક બે વર્ષ માટે ડાઇવર્ટ કરવો પડે અને તેનાથી શહેરીજનોને મોટી હાલાકી ભોગવવી પડે, તેમજ અમદાવાદમાં આવતાં તમામ વાહનો જેવી કે એસટી, લકઝરી તથા અન્ય વાહનો આ જ માર્ગ ઉપરથી આવે છે માટે આશ્રમરોડ ઉપર આ પ્રોજેક્ટ શરૂ કરવો શકય નથી. દિલ્હીમાં જે રીતે કામ ચાલે છે તે ગતિએ અમદાવાદમાં કામ શરૂ થાય તો પણ લોકોને લાંબા સમય સુધી મુશ્કેલીનો સામનો કરવો પડે.