હીરા કામદાર માટે સામાજિક સલામતી
હીરાનો વેપાર મૂળ પાલનપુરી જૈનોનો. રાજારજવાડાંને હીરા ઝવેરાત વેચતા. રજવાડાં નાબૂદ થતાં જૈનો મુંબઇ ગયા ને હીરા ઘસવાનું કામ શરૂ થયું. બનાસકાંઠાના ગરામડી ગામના સેવંતીલાલ મહેતા એમ.એ.માં પ્રથમ વર્ગ. જર્નલિઝમમાં પ્રથમ વર્ગ. કવિતા કરે. એક દિવસ કહે, ‘હું તો ચાલ્યો સુરત, હીરાની ઘંટી કરવા.’
૧૯૬૦ના અરસામાં કેટલાક જૈનોએ સુરતમાં રફ હીરાને ચળકાટ આપી-ઘસી પછી વેચવા માટે ઘંટીઓ કરી. તેમાં કારીગર તરીકે પ્રથમ તો અમરેલી-ભાવનગર જિલ્લાના પાટીદારો આવ્યા. પાટીદારો સાહસિક અને તેમની સામાજિક મૂડી (સ્ન્ંણૂર્iીશ્ર ણૂaષ્ટiર્દ્દીશ્ર) એટલે કે પરસ્પરને ટેકો કરવાનું વલણ જૉરદાર. કેટલાક પાટીદારોએ તાણીતુસીને ઘંટી નાખી. માલિક બન્યા.
આ વાત ’૭૨-’૭૩ની. રાજકોટના મારા પાડોશી અને મિત્ર પરષોત્તમદાસ આસોદરિયા નાગરિક બેંકની નોકરી છોડીને કોઇ સ્નેહીના સહારે સુરત આવ્યા, ઘંટી નાખી. સેવંતીલાલ શેઠ અને પરષોત્તમદાસ ઉર્ફે દાસભાઇ સોનાની દ્વારિકામાં આબોટે છે. ’૭૨-’૭૩ પછી સૌરાષ્ટ્રમાંથી પાટીદારોનો અવિરત પ્રવાહ સુરત આવ્યો અને વરાછામાં મિની સૌરાષ્ટ્ર વસ્યું. શરૂમાં એક રૂમમાં દસ-બાર જુવાનિયા સાંકડ-મૂકડ રહેતા. કુટુંબ સૌરાષ્ટ્રમાં. પાન-માવા ઉપરાંત બીજાં વ્યસનોથી પ્રશ્નો ઘણા થયા પરંતુ પરસ્પરના ટેકે ઉકેલ્યા.
હીરાઘસુ પટેલને લગ્ન કે અન્ય કોઇ પ્રસંગે પૈસાની જરૂર પડે ત્યારે ઘંટીમાલિક પટેલ અવશ્ય મદદ કરે. ઘર અપાવે-પરણાવે અને જરા સાહસિક દેખાય તો ઘંટી કરી આપે. લગભગ ૧૯૯૦ સુધી મોટા ભાગના હીરાઘસુ પાટીદાર કોમના અને અંદર અંદર સગાંવહાલાં હતાં. આથી પરંપરાગત સામાજિક મૂડીને કારણે સામાજિક સલામતીના પ્રશ્નો ભા થયા ન હતા.
પરંતુ ૧૯૯૦ પછી બીજી કોમના યુવાનો પણ હીરાઘસુ તરીકે આવવા લાગ્યા. એક જ કોમના લોકોવાળી સામાજિક મૂડીવાળી વ્યવસ્થા તૂટવા લાગી. એક અંદાજ મુજબ કુલ હીરાઘસુઓમાં પાટીદારો ૩૭.૧ ટકા છે. રજપૂત ૧૭.૩ ટકા, કોળી ૧૩ ટકા, દલિત ૧૨.૩ ટકા, રબારી-ભરવાડ ૪.૩ ટકા અને બાકીના ૧૬ ટકામાં અન્ય જ્ઞાતિઓના કારીગરોનો સમાવેશ થાય છે. પરંપરાગત વ્યવસ્થા તૂટતી જાય છે અને નવી ભી થતી જાય છે. પોતાનો કારીગર પોતાની જ કોમનો-સગો હતો તેથી ટેકો થતો અને તેના પર વિશ્વાસ મુકાતો.
હવે લગભગ બે તૃતીયાંશ કારીગરો પોતાની કોમના નથી. હીરાની ચોરી ન થાય તે માટે કડક વ્યવસ્થા હવે કરવી પડે છે. નિયમો આવ્યા છે. ઉપાડ મળતો નથી.
માણસ કામ શા માટે કરે છે? માત્ર પૈસા રળવા નહીં. સરેરાશ હીરાઘસુ મહિને આઠથી દસ હજાર કમાઇ લે છે, પરંતુ ઘરનું ઘર, બાળકોનું શિક્ષણ, તબીબી મદદ, ઘડપણમાં નિવૃત્તિ પછી સુખચેનથી જીવી શકે તેવી ભવિષ્યનિધિની સગવડ તથા અકસ્માત સામે વીમો આ બધી તેની સામાજિક સલામતીની જરૂરો છે. જેના અભાવે તે ચા મને અને તનાવપૂર્ણ સ્થિતિમાં કામ કરે છે, ખોટી ટેવોમાં ફસાય છે અને કેટલાકનું તો જીવન બરબાદ થઇ જાય છે.
અહીં માલિક-મજૂર સંબંધ તો છે, પરંતુ નોંધાયેલો નથી. પંચોતેર ટકા ઘંટીઓ અસંગિઠત ક્ષેત્રમાં છે, કારીગરોનાં નામ ચોપડે નોંધાયાં ન હોવાથી તેમની પાસે ઓળખપત્ર નથી. ઓળખપત્ર નથી તેથી સામાજિક સલામતીની કોઇ યોજનાનો લાભ તેમને મળતો નથી. સ્થિતિ જુઓ: એક પણ હીરાઘસુ પાસે ઓળખપત્ર નથી, એકેયને ગ્રેરયુઇટીનો કે ભવિષ્યનિધિ સંકલિત પેન્શનનો લાભ મળતો નથી. એકેય મહિલા કારીગરને પ્રસૂતિ યોજનાનો લાભ મળતો નથી.
એકેય કારીગરને નોંધાયેલું અકસ્માત વળતર મળતું નથી. આમ કોઇ પણ સલામતી વિના જીવતા હીરાઘસુઓની સ્થિતિ ભારતના કુલ કારીગરોમાં ત્રાણું ટકા એવા અસંગિઠત ક્ષેત્રના કારીગરો કરતાં જુદી નથી.
ભારતીય શ્રમિકોનો આટલો મોટો વર્ગ સામાજિક સલામતી વિના જીવે તે રાજય માટે ચિંતાનો વિષય છે. બીજાં લેબર કમિશન અથવા વર્મા કમિશને કામદોરોની સામાજિક સલામતીની બાબતને સૌથી વધુ મહત્ત્વ આપ્યું હતું. આ પછી ભારત સરકારે સન ૨૦૦૪માં ‘નેશનલ કમિશન ફોર એન્ટરપ્રાઇઝીઝ ઇન અનઓર્ગેનાઇઝ્ડ સેકટર’ની રચના કરી.
આ કમિશને આગામી પાંચ વર્ષમાં ૩૦ કરોડ અસંગિઠત ક્ષેત્રના કામદારોને આગામી પાંચ વર્ષમાં રૂ. ૧૫,૦૦૦ સુધીનો તબીબી વીમો, દર પ્રસૂતિ દીઠ રૂ. ૧૦૦૦ની મદદ, રૂ. ૧૫,૦૦૦ સુધીનો જીવન વીમો, સાઠ વર્ષ ઉપરના ગરીબોને માસિક રૂ. ૨૦૦નું પેન્શન વગેરેની સામાજિક સલામતીના છત્રની ભલામણ કરી. આમાં માલિકે તો કારીગરદીઠ રોજનો એક રૂપિયો ભરવાનો થાય છે, જે રકમ આજે તો ભિક્ષા માટે પણ અપૂરતી છે.
આના આધારે કેન્દ્ર સરકારે સન ૨૦૦૬માં ‘ધ અનઓર્ગેનાઇઝ્ડ વર્કર્સ’ સોસિયલ સિકયુરિટી (ડ્રાફટ) બિલ તૈયાર કર્યું. આ સત્રમાં જો સંસદમાંથી પસાર થશે તો કાયદો બનશે, પછી રાજય સરકાર તેના અમલ માટે નિયમો બનાવશે, પણ આ બધું કામ સરકારી રાહે થશે. આગળ કહ્યું તેમ ગુજરાતના હીરા ઉધોગના માલિકોની સામાજિક મૂડી પ્રથિતયશ છે.
ખાસ કરીને સૌરાષ્ટ્રના જલસ્રવણ કામોમાં સુરતના હીરા ઉધોગના મહાજનોએ જે કામગીરી કરી છે તે અદ્વિતીય છે. સ્વાસ્થ્ય અને શિક્ષણમાં પણ આ મહાજનોએ નોંધપાત્ર કામ કર્યું છે, એટલે જૉ ધારીએ તો અને આ મહાજનોના સદ્ભાગને જગાવીએ તો કેન્દ્રના ધારા કરતાં ઘણું વધારે કામ થઇ શકે છે. સુરતના હીરા ઉધોગના મહાજનોએ હીરાઘસુઓની સામાજિક સલામતી માટે નીચેની બાબતો પર ઘ્યાન આપવા જેવું છે:
કારીગરોને ઓળખપત્ર :
કારખાનેદાર તરફથી ઓળખપત્ર ન મળે તો ડાયમંડ એસોસિયેશન તરફથી મળી શકે. જૉ ઓળખપત્ર હશે તો તેને સલામતીના લાભો મળશે, નહીં તો નહીં મળે. અકસ્માત વળતર પણ નહીં મળે.
ભવિષ્યનિધિ :
દરેક કારીગરને તેનું ભવિષ્યનિધિ ખાતું હોવું જોઇએ. ભવિષ્યનિધિ ખાતામાં કારીગરને મળતી રકમમાંથી કપાત કરી જમા કરાવવાની રહે છે. વીસ-પચીસ વર્ષે કારીગર નિવૃત્ત થાય ત્યારે તેને ઘર ચાલે તેટલું માસિક પેન્શન મળી રહે તેવી જૉગવાઇ આ યોજનામાં છે.
ખોરાક સલામતી :
હીરાઘસુઓની ખોરાકની ટેવો ખૂબ જ નીંદનીય છે. આ બાબતમાં સામાજિક સંસ્થાઓએ યોગ્ય પ્રયાસો કરી તેમને માવા, ગુટકા, દારૂ તથા અન્ય ખરાબ ટેવો છોડાવવી જૉઇએ. કામ દરમિયાન જ તેમને પોષણક્ષમ નાસ્તો મળી રહે તેવી વ્યવસ્થા થાય તો કારીગરો ભવિષ્યમાં કેન્સર, કિડની ફેઇલ્યર, ટી.બી. વગેરેના ભયમાંથી મુકત થઇ શકે. લગભગ રોજ સાંજે ફાસ્ટફૂડથી પેટ ભરતા કારીગરો ભવિષ્યના રોગોને આમંત્રે છે.
દવાખાનું :
સરકાર, માલિક અને હીરાકામદારના સમભાગે કોન્ટિ્રબ્યૂશનથી ખાસ હીરાઘસુઓ માટેનું દવાખાનું, આ કામ માટે અલગ ટ્રસ્ટ (સંસ્થા) રચી ચલાવવું જોઇએ.
અકસ્માત ભંડોળ :
હીરાના માલિકોએ પહેલવૃત્તિ દાખવી એક ભંડોળ અથવા વીમા કંપની શરૂ કરવી જોઇએ. આ ભંડોળનો વહીવટ પ્રોફેશનલ રાહે થવો જૉઇએ.
ગૃહ નિર્માણ ભંડોળ :
આમ તો હીરા ઉધોગપતિઓ થકી ચાલતી વરાછા બેંક છે જ, પરંતુ આવાસ સલામતીનું ખાસ કામ કરનારી કોઇ સંસ્થા નથી. કયાં તો વારાછા બેંક પોતે આ ભૂમિકા સ્વીકારે અથવા આ માટે નવી સંસ્થા બની શકે.
ગુજરાત સરકાર સામાજિક સલામતી કાયદાના નિયમો બનાવે ત્યારે સરકારી ખાતાં દ્વારા અમલને બદલે હીરા ઉધોગની સંસ્થાઓ વતી અમલની વાત સ્વીકારાવી જોઇએ. હીરા ઉધોગના મહાજનો સાથે વાત કરી તેમને તેમની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અને કારીગરોમાં માનવ સંસાધન વિકાસની વૃત્તિને એટલે કે તેમની સામાજિક મૂડી, જે અત્યાર સુધી તેમની કોમ કે ગામ સુધી મર્યાદિત રહેતી હતી તે સમગ્ર હીરા કામદાર (સર્વજ્ઞાતીય) સુધી લંબાય તેવી જૉગવાઇ ભી કરવી જૉઇએ. આપણે મેનેજમેન્ટમાં ભારતીય મૂલ્યોની જે વાત કરીએ છીએ તેનો ઉત્તમ નમૂનો બનવાની શકયતા અહીં પડેલી છે.