ત્રાસવાદી હુમલા બાદ અનેક ફિલ્મ નિર્માતાઓની વીમા કવચ મેળવવા વિચારણા
મુંબઈ,
ત્રાસવાદીઓએ તાજેતરમાં મુંબઈ પર કરેલા હુમલાને પગલે રમતગમત અને મનોરંજન ઉદ્યોગો માટે ડિઝાસ્ટર (આફત) ઈન્શૂરન્સ કેટલો જરૃરી છે તે મુદ્દા તરફ સૌનું ધ્યાન ખેંચાયું છે.
મુંબઈમાંના આતંકને પગલે શો રદ થતાં, થિયેટરો બંધ રખાતાં બોલીવૂડને થયેલું ભારે આર્થિક નુકસાન
ઓછામાં ઓછું એક ફિલ્મ પ્રોડકશન હાઉસ અને એક ક્રિકેટ લીગે ત્રાસવાદી હુમલાને કારણે કાર્યક્રમો રદ કરવા પડયા તે બદલે ઇન્શૂરન્સ માટેના દાવા નોંધાવ્યા છે. જાણવા મળ્યા મુજબ અન્ય અનેક ફિલ્મ નિર્માતાઓ આ જ પ્રકારનો વીમો લેવાનું વિચારી રહ્યા છે. હુમલાને કારણે શો રદ કરાતાં તથા સિનેમાગૃહો બંધ કરાતાં બોલીવૂડને ભારે નાણાકીય નુકસાન થયું હતું. આવા અવરોધો સામેનો વીમો લેનારાઓમાં 'દોસ્તાના'ના નિર્માતા ધર્મા પ્રોડકશન્સનો સમાવેશ થાય છે. તેમણે રૃા. ૨૦ કરોડથી રૃા. ૨૫ કરોડ સુધીનું ઇન્શૂરન્સ કવર (વીમા કવચ) મેળવ્યું છે. હુમલાને કારણે આઈસીએલએ પણ ત્રણ મેચ રદ કરવી પડી હતી. વર્તુળોએ જણાવ્યું હતું કે ભારતીય, પાકિસ્તાની અને બાંગલાદેશી ખેલાડીઓ અમદાવાદમાં રમી રહ્યા હોવાથી પરિસ્થિતિ સંવેદનશીલ હતી. મેચનું ટીવી પ્રસારણ ન કરાય તો જાહેરખબરની આવકનું નુકસાન થાય તે સામે આઈસીએલએ વીમા રક્ષણ મેળવ્યું છે, પણ વીમા કવચની રકમ જણાવાઈ ન હતી.
વર્તુળોએ વધુમાં કહ્યું હતું કે પ્રસારણ દરમિયાન પ્રસિદ્ધ કરવા માટેની જાહેરખબરો પર દાવાનો આધાર રહેશે. ધર્મા પ્રોડકશન્સનું વીમા કવચ તેને કરારમાં જણાવાયેલાં સકટોને કારણે શો અટકાવાતાં, રદ કરાતાં કે શોમાં અવરોધ સર્જાતાં થતાં નુકસાન સામે રક્ષણ આપતું હોવાનું કહેવાય છે. 'દોસ્તાના' અને આઈસીએલ મેચોનો વીમો ઉતાનારી કંપની અલાયન્સ ઈન્શૂરન્સ બ્રોકર્સ પ્રા. લિ.ના ડિરેકટર અત્તુર ઠક્કરે સ્પષ્ટતા કરી હતી કે ક્રિકેટ મેચ માટેનું વીમા કવચ ફિલ્મ નિર્માતા કે વિતરક માટેના કવચ કરતાં તદ્દન અલગ હોય છે. ધર્મા પ્રોડકશન્સનાં સીઈઓ અપૂર્વ મહેતાએ કહ્યું હતું કે અમે દાવો નોંધાવ્યો છે અને આતંકવાદી હુમલા બાદ અન્ય અનેક નિર્માતાઓ આવું વીમા કવચ મેળવવાના છે. 'ફના'નો બહિષ્કાર કરાતાં ગુજરાતમાં યશરાજ ફિલ્મ્સને ઘણું આર્થિક નુકસાન થયું હતું.