પચ્ચીસ લાખનો વીમો (ડિટેક્ટીવ વાર્તા) – વિનોદકુમાર દિક્ષીત
ચંદ્રકાન્ત મગનભાઈ દોશી શૅર-બજારના સબબ્રોકર હતા. સ્વભાવે પણ શાંત અને ગંભીર હતા. ઉંમર પણ વધારે નહોતી. 30/32 વર્ષની જુવાન ઉંમરમાં કોણ જાણે શું થયું કે રાતના સૂતા હતા પણ સવારે ઊઠયા જ નહીં. રાતના ઊંઘમાં જ હાર્ટફેઈલ થઈ ગયું હોય તેમ બન્યું. એમના ફૅમેલી ડૉકટર નાણાવટીએ પણ કહ્યું કે તેમનું હૃદય નબળું હતું ને બ્લડપ્રેશર પણ હતું. એમનાં પત્ની લીલાબહેને તો હૈયફાટ રુદન કર્યું. એમના સાળા તથા તેમના મોટાભાઈ, સાસુ-સસરા અને સોસાયટીમાં રહેતા મિત્રો બધાંને આઘાત લાગ્યો કે ઓચિંતાનું આ શું થઈ ગયું ? આખરે એમની સ્મશાનયાત્રા નીકળી ને તેમનો અંતિમવિધિ પણ પતી ગયો. સારા નસીબે તેમણે વીમો ઉતરાવ્યો હતો. એમના મોટાભાઈ હમણાં બે જ દિવસ પર ભરૂચથી વડોદરા ચંદ્રકાન્તને ઘેર આવ્યા હતા. થોડા જ દિવસ પર બન્ને ભાઈઓએ બાપદાદાની મિલકતના ભાગ પાડ્યા હતા. ચંદ્રકાન્તભાઈ પોતાની જોડે શૅર, ફિક્સ ડિપોઝીટ-રસીદો તથા ઘરેણાં તો લઈ આવ્યા હતા, પણ ઘરમાં મોટાં મોટાં વાસણો ભરેલી મોટી ખૂબ વજનદાર પેટી મોટાભાઈ બે દિવસ પર આવ્યા તે લેતા આવ્યા હતા. આમ તો બન્ને ભાઈઓમાં સારું બનતું હતું. બારમું તેરમું પતાવીને લીલાબહેનના જેઠ પ્રભુદાસભાઈએ વીમાના પૈસા મેળવવા માટે જુદાં-જુદાં સર્ટિફિકેટો મેળવી અરજી કરી અને મુંબઈ જઈ વીમા-કંપનીમાં જાતે મળી વીમાની રકમ ચૂકવવા વિનંતી કરી હતી. એક મહિના પછી વીમાની રકમ રૂ. 25 લાખનો ચૅક પણ આવી ગયો. અને પૈસા સલામત રીતે જુદી-જુદી કંપનીઓમાં રોકી દર મહિને લીલાબહેનને વ્યાજ મળે એવી ગોઠવણ કરી આપી હતી.
વીમા કંપનીના આસિસ્ટન્ટ મૅનેજર શ્રી દેસાઈને જાતજાતના વહેમ આવતા હતા, કારણ ફક્ત ત્રણ જ છમાસિક પ્રિમિયમ ભરાયાં હતાં અને કંપનીને આવડી મોટી રકમ આપવાનું આવ્યું હતું. તેથી તેમણે દરેકેદરેક સર્ટિફિકેટોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો હતો અને જાતે વડોદરા આવી ડૉકટરનું સર્ટિફિકેટ, સ્મશાનનું સર્ટિફિકેટ તથા વીમા ઍજન્ટોને મળી બધી જાતે તપાસ કરી હતી. શ્રી દેસાઈનું સાસરું નડિયાદ હતું અને એક દિવસ તેઓ નડિયાદ ગયા હતા. શ્રી સુરેશ ચોકસી તેમના દૂરના સગા થતા હતા. શ્રી દેસાઈએ એમને આવતા વહેમની વાત પણ સુરેશભાઈને કરી.
સુરેશભાઈ : એમને કેટલા વખતથી બ્લડપ્રેશર હતું ?
દેસાઈ : લગભગ બે-અઢી વર્ષથી અને તેઓ તેમના ફેમિલી ડૉકટરની દવા પણ કરતા હતા. તેથી તેમની તબિયત સુધરી પણ હતી.
સુરેશભાઈ : એમણે વીમો તો દોઢ વર્ષ પહેલાં જ ઉતરાવ્યો હતો. એમની વીમા માટેની અરજીના પ્રપોઝલ ફૉર્મમાં બ્લડપ્રેશરની વાત જણાવી હતી ?
દેસાઈ : હા, જણાવી હતી. પણ વીમા કંપનીના અમારા ડૉકટરે તથા તેમના ફૅમિલી ડૉકટરે પણ સર્ટિફિકેટ આપ્યાં હતાં કે તેમને બી.પી બહુ ઓછું થઈ ગયું છે. અને અમે વધારાનું પ્રિમિયમ માંગ્યું તે પણ ચન્દ્રકાન્તભાઈ ભરતા હતા.
સુરેશભાઈ : ચંદ્રકાન્ત દારૂ પીતા હતા ? સિગારેટ-બીડી કે તંબાકુ ખાતા હતા ?
દેસાઈ : ના, એમને એવી કોઈ જ ટેવ નહોતી. ચા પણ ફક્ત બે વાર જ પીતા હતા. દારૂ તો નહીં જ. તંબાકુ પીવી, ખાવી કે સુંધવાની પણ ટેવ નહોતી.
સુરેશ : એ રોજ ચાલવા જતા હતા ? કોઈ રમત જેવી કે ક્રિકેટ, ફૂટબૉલ, હૉકી અથવા તરવાનું જાણતા હોય તો તેનો શોખ હતો ?
દેસાઈ : ના, ચાલવા નહોતા જતા કારણ એમનું સ્કૂટર હતું. ધંધો શૅરબજારના સબબ્રોકરનો. તેથી ક્રિકેટ, ફૂટબૉલ, હૉકી, તરવાનું કે વૉલી બૉલ કે એવી કોઈ પણ રમતના શોખીન હતા નહીં.
સુરેશ : એમને કોઈ માનસિક તણાવ રહેતો હતો ?
દેસાઈ : કદાચ હોઈ શકે. એમના ધંધાને લીધે તણાવ હોય તો ખબર નહીં.
સુરેશ : એ ક્યા બ્રોકરને ત્યાં સબબ્રોકર હતા ? લાવો ને આપણે ત્યાં ટેલિફૉન કરી પૂછી જોઈએ.
દેસાઈ : એ નંદુભાઈ પાઠક નામના શૅરબ્રૉકરની ફર્મમાં સબબ્રોકર હતા.
સુરેશ : ઓહો, હું તો સારા નસીબે નંદુભાઈને ઓળખું છું.
પછી નંદુભાઈને ફોન કર્યો ત્યારે ખબર પડી કે, ચંદ્રકાન્તે ત્યાં સાત-આઠ લાખનો ગોટાળો કર્યો હતો અને તેના પરિણામે ઘર તથા ઘરેણાં ગીરવે મૂકી અમુક હપ્તામાં પૈસા ચૂકવતા હતા.
સુરેશ : જરૂર આ કેસમાં કંઈક ગરબડ છે. ચંદ્રકાન્ત વડોદરામાં જે સોસાયટીમાં રહેતા હતા તે જ સોસાયટીમાં મારો એક મિત્ર, અમારી બૅન્કના રિટાયર્ડ ઑડિટર રહે છે. તેમનો પણ ફોનનંબર મારી પાસે છે. આપણે તેમને ફોન કરીએ.
પેલા ઑડિટર મિત્રને ફોન કર્યો તો ખબર પડી કે ચંદ્રકાન્ત ગુજરી ગયા હતા તેના આગલા દિવસે એક મોટા ડૉકટર રમણભાઈ પટેલ તેમના ઘરે આવ્યા હતા અને 3 – 4 કલાક રોકાયા હતા. પણ ડૉકટર રમણભાઈ પટેલ તો પ્લાસ્ટિક સર્જરીના જાણીતા ડૉકટર છે. સુરેશભાઈ આ સાંભળી વિચારમાં પડી ગયા.
દેસાઈ : શું વિચાર કરો છો ?
સુરેશભાઈ : ચંદ્રકાન્તભાઈ પ્લાસ્ટિક સર્જરી શું કામ કરાવે એ સમજાતું નથી. શું ચંદ્રકાન્ત બહુ કદરૂપા હતા ?
દેસાઈ : ના, જરાપણ નહીં, એ તો દેખાવડા હતા.
સુરેશ : દેસાઈ, ચાલો આપણે વડોદરા જઈએ. મને એક વહેમ છે, પણ તેની ખાતરી કરવા વડોદરા જ જવું પડે.
આખરે બંન્ને વડોદરા આવ્યા. પછી સુરેશભાઈએ પૂછયું કે, ચંદ્રકાન્ત પ્રિમિયમ ભરતા હતા તે કઈ બૅન્કના ચૅક હતા ?
દેસાઈ : તમારી જ બૅન્ક ના ચૅક હતા.
સુરેશભાઈ : મને લાગે છે કે કુદરત આપણને મદદ કરે છે.
વડોદરાની સ્ટાન્ડર્ડ બૅન્કમાં તો બધા સુરેશભાઈને સારી રીતે ઓળખતા હતા. તેમણે ચંદ્રકાન્તભાઈનો એકાઉન્ટ તપાસ્યો તો તેમાંથી ડૉ. રમણભાઈ પટેલને 20,000 નો ચૅક આપ્યો હતો તે નીકળ્યું. પછી તો વીમા કંપનીના ડૉકટરને આપેલા ચૅકની પણ માહિતી મળી. મરણને દિવસે જ સ્મશાનના કલાર્કને ચૅક આપ્યો હતો તે વિગત મળી. આ બધું જોઈ સુરેશભાઈએ કહ્યું કે, ‘સો એ સો ટકા આ કેસમાં ઉચાપત થઈ છે.’
પણ મારા વહેમને સમર્થન આપવા આપણે અહીંની પોસ્ટ ઑફિસના ટપાલીને મળવું પડશે. લલ્લુભાઈ વાઘેલા નામનો ટપાલી ચંદ્રકાન્તના ઘેર ટપાલ આપતો હતો. તેને મળીને રૂ. 100/- બક્ષિસ આપી. એની પાસેના ટપાલના થોકડામાંથી ‘લીલાબહેન ચંદ્રકાન્ત દોશી’ નું એક કવર મળ્યું.
સુરેશભાઈ : આ કવર પર ‘સીતાપુર’ ગામનો સિક્કો હતો. સીતાપુર કયાં આવ્યું ? પૂછતાં ખબર પડી કે બનારસ નજીકનું ગામ છે.
સુરેશભાઈ : આવા કાગળો નિયમિત આવે છે ?
લલ્લુભાઈ : હા સાહેબ, લગભગ દર દસબાર દિવસે આવે છે.
સુરેશભાઈ : લીલાબહેન પણ સીતાપુર કાગળ લખતાં જ હશે. આવો કોઈ કાગળ છે ખરો ?
લલ્લુભાઈ : સાહેબ, અહીં તો ઢગલાબંધ કાગળો પોસ્ટ થાય છે. પણ ઊભા રહો, તપાસ કરું. આજે જ શોર્ટિંગ થયું છે. સીતાપુરનો પીનકોડ નંબર છે. તેથી તેનો કાગળ હશે તો મળશે. આખરે એનું કવર મળ્યું. રામચરણ શર્મા, માર્કેટ પાસે, સીતાપુર ગામ – સરનામું હતું. આખરે શોર્ટિંગ કરનાર ટપાલીને પૂછતાં ખબર પડી કે સીતાપુરના સરનામે પણ આવાં કવર દર પંદર-વીસ દિવસે જાય છે.
સુરેશભાઈ : દેસાઈ, તમારો આખો કેસ મારા ધ્યાનમાં આવી ગયો છે.
દેસાઈ : તમે આ શું શોધી કાઢયું છે ?
સુરેશ : ચંદ્રકાન્ત દોશી ગુજરી નથી ગયા પણ જીવતા છે.
દેસાઈ : અરે પણ એમના મૃતદેહને અગ્નિદાહ દેવાયો છે, સર્ટિફિકેટ છે. એમની સ્મશાનયાત્રામાં તો ઘણાબધા જોડાયા હતા. સુરેશ : એ મડદું ચંદ્રકાન્ત દોશીનું નહોતું પણ બીજા કોઈનું હતું.
દેસાઈ : પણ ઠાઠડી બંધાય ત્યારે બધા જુએ તો ખરાને કે આ કોઈ બીજી વ્યક્તિ છે.
સુરેશ : ના, આગલે દિવસે પ્લાસ્ટિક સર્જરી કરી એ મડદાનું મોં ચંદ્રકાન્ત દોશી જેવું બનાવાયું હતું. અને તે માટે પ્લાસ્ટિક સર્જન કરનાર ડૉ. પટેલને 20,000 નો ચૅક અપાયો છે.
બીજું, જો તમારી પાસે ચંદ્રકાન્ત દોશીના હસ્તાક્ષરવાળો કાગળ હોય તો કવર સીતાપુરથી વડોદરા લીલાબહેનના નામ પર આવ્યું છે તે પર ચંદ્રકાન્ત દોશીના જ હસ્તાક્ષર હોવા જોઈએ.
આખરે દેસાઈની ફાઈલમાંથી ચંદ્રકાન્તના હસ્તાક્ષરવાળો કાગળ મળ્યો અને પેલા કવર પર કરેલા સરનામામાં તે જ હસ્તાક્ષર હતા.
સુરેશ : ચંદ્રકાન્ત દોશી નામ બદલીને રામચરણ શર્માના નામથી સીતાપુર રહે છે. ને લીલાબહેન તેને દર મહિને ચૅકથી પૈસા મોકલે છે.
પછી તો પોલિસમાં ફરિયાદ નોંધાઈ ને ચંદ્રકાન્ત પકડાઈ પણ ગયો.
દેસાઈ : પણ આવડું મોટું મડદું ઘરમાં લાવ્યા કેવી રીતે ?
સુરેશ : ચંદ્રકાન્તના મોટાભાઈ જે વજનદાર પેટી લાવ્યા હતા તેમાં વાસણો નહોતાં પણ પેલું મડદું હતું. જે કોઈ હૉસ્પિટલની મોર્ગમાંથી પૈસા આપી પ્રભુદાસભાઈ લાવ્યા હોવા જોઈએ એ પણ પોલીસ તપાસમાં ખબર પડશે.
દેસાઈ : સુરેશભાઈ, તમે ખરેખર કમાલ કરી દેખાડી.